- વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી - કોળી પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન વલસાડ: વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં અાવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. માટે સમુહ લગ્ન સમારંભને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન યોજાતા જ રહે છે, પરંતુ વલસાડમાં સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન શરૂ થયું છે. જેમાં આ વર્ષે યોજાનારા આ લગ્ન સમારંભ અખાત્રીજ નહી, પરંતુ 17 એપ્રિલને રવિવારના રોજ ધમડાચી ગામે આવેલ પ્રસિદ્ધ વૈષ્ણવ દેવી માતાના મંદિરના પટાંગણમાં યોજવાનું આયોજન હાથ ધરાયું છે.જેના માટે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સમારંભ સંદર્ભે માહિતી આપતાં વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ અને કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શશીભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ગત વર્ષે થયેલા 104 જોડાઓના લગ્ન સમારંભ બાદ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો ટાર્ગેટ 151 જોડાનો રાખવામાં આવ્યો છે. મોટા પાયે થનારા આ લગ્ન સમારંભ માટે 27 ડિસેમ્બરના રોજ 25 જેટલા સમાજોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં લગ્નની ચર્ચા કરી હતી. જેમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશનની આખરી તારીખ 15 માર્ચ 2016 રાખવાનું પણ નક્કી કરાયું હતુ.વલસાડ ખાતે યોજાનારા સમુહ લગ્ન સમારંભમાં આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે એવું ધારાસભ્ય ભરતભાઇ પટલે જણાવ્યું હતુ.